કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/અમૃત અમૃત સોમલ સોમલ
૩. અમૃત અમૃત સોમલ સોમલ
ટીહૂ ટીહૂ ટહુકે કોયલ,
અંતર ઝૂરે એકલદોકલ.
કોઈ નચાવે નયનો પલપલ,
દિલની દુનિયા ઊથલપાથલ.
મારી દુનિયા, ન્યારી દુનિયા,
વસ્તી વસ્તી, જંગલ જંગલ.
મારું મદિરાપાત્ર અનોખું,
પલમાં ખાલી, પલમાં છલોછલ.
એનાં લોચનનું શું કહેવું!
અમૃત અમૃત, સોમલ સોમલ.
યૌવન યૌવન સર્વે ઝંખે,
પાગલ પાછળ દુનિયા પાગલ.
દુનિયાની વાતો દોરંગી,
હોઠે અમૃત, હૈયે હલાહલ.
જીવન મૃત્યુ, મૃત્યુ જીવન!
બંને એક જ કેવું કુતૂહલ!
અંતર ઝખ્મી, આશા ઝખ્મી,
‘ઘાયલ’ આખી દુનિયા ઘાયલ.
૨૭-૪-૧૯૪૮(આઠોં જામ ખુમારી, પૃ. ૧૨૮)