કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/આ ધરતી પર નહીં તો...
૩૮. આ ધરતી પર નહીં તો...
આ ધરતી પર નહીં તો ધરતીની ખાકમાં,
હોવાનો હું અચૂક અહીંયાં કશાકમાં.
હું નિત્યનો ઘરાક નથી એ દુરસ્ત પણ,
મારું ય કૈં છે સ્થાન ‘ઘડીના ઘરાક’ માં.
સત્વર નથી થતું જ સમું ઘર અવાવરું,
લાગે છે ઠીક ઠીક સમય ઠીકઠાકમાં.
જાલિમ જુદાઈની જ પળો વીતતી નથી,
દિવસો મિલનના જાય છે વીતી કલાકમાં.
ખાએશ બીજી હોય શું ખાએશ કૈં નથી,
દિલચશ્પી છે જરૂર મને કેટલાકમાં.
હું એટલે તો બચતો રહું છું મજાકથી,
થઈ જાય છે ખસૂસ મહોબ્બત મજાકમાં.
હસતી હતી સદાય કળી એ ય આજકાલ,
ઝાકળની જેમ રોઈ પડે છે જરાકમાં.
એવો થયો ખમોશી તૂટ્યાનો અવાજ કે,
વીજ આવતીક વળગી પડી મુજને ધાકમાં.
જોયું તો ચાંદની ય અતિશય હતી શિથિલ,
દરિયો ય લોથપોથ હતો આજ થાકમાં.
‘ઘાયલ’ જે કરવો હોય તે નિર્ણય કરો ત્વરિત,
સંધ્યા વીતાવવી ન ઘટે છેકછાકમાં.
ઑક્ટો. ૧૯૭૨ (આઠોં જામ ખુમારી, પૃ. ૪૭૦)