કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/રાખે છે એક લાગણી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. રાખે છે એક લાગણી...

રાખે છે એક લાગણી મુજને અમીર જેમ,
હું એટલે તો આમ ફરું છું ફકીર જેમ.
એ શું કે બાગમાં ય રહીએ અસીર જેમ,
જંજીર તોડી નાખીએ આવો સમીર જેમ.
મન આપનું છે આપની મરજીની વાત છે,
કંચનની જેમ રાખો કે રાખો કથીર જેમ.
મારા સિવાય કોઈ નથી આસપાસમાં,
આ કોણ મુજને સ્પર્શી રહ્યું છે શરીર જેમ.
ઘર છોડવાનું હોય તો છોડી બતાવીએ,
ઘર ફૂંકવાની વાત છે આ તો કબીર જેમ.
બીજું તો કોણ શ્વાસનળીમાં હરેફરે,
ભટકું છું હું જ પંથભૂલ્યા રાહગીર જેમ.
છે આમ તો હજાર પરંતુ એ હાથ ક્યાં!
જે દોસ્ત થઈને દુ:ખમાં રહે દસ્તગીર જેમ.
આજે ય આયના મહીં ચણભણ થતી હતી,
આ કોણ છે જે આમ રહે છે અધીર જેમ.
‘ઘાયલ'ની ખેપમાં હતો શાયરનો દબદબો,
‘ગાલિબ'ની જેમ આવ્યો, ગયો પાછો ‘મીર' જેમ.

૨૬-૧-૧૯૬૯(આઠોં જામ ખુમારી, પૃ. ૪૭૧)