કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કતલ કર અને કૈં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૯. કતલ કર અને કૈં...

કતલ કર અને કૈં ખબર પણ પડે ના,
તને આવડે તે મને આવડે ના.
હશે અંશ મારા જ પૈકીનો કોઈ,
મને આમ નબળા ગ્રહો તો નડે ના.
અવરને મળી જાય મોતી સહેજે,
હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના.
તરસતા રહે હાથ ફૂલોને હરદમ,
અને પગ બગીચા ભણી ઊપડે ના.
પહોંચી હશે મોભને ઠેસ કોઈ,
દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.
અહીં માનવીની જ ચોમેર વસ્તી,
અને માનવી ક્યાંય નજરે ચડે ના.
નથી મુઠ્ઠી આ છે મડાગાંઠ ‘ઘાયલ',
હવે મુઠ્ઠી કેમે ય આ ઊઘડે ના.

એપ્રિલ, ૧૯૭૭(આઠોં જામ ખુમારી, પૃ. ૩૯૫)