કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/ડગલે પગલે માયા જેવું
Jump to navigation
Jump to search
૩૦. ડગલે પગલે માયા જેવું
ડગલે પગલે માયા જેવું,
જલ પર વહેતી છાયા જેવું.
કૌતુક કૌતુક કેવળ કૌતુક,
કણ કણ ખુલ્લી કાયા જેવું.
પાંપણ નામે ગામને પાદર,
બંધાયું છે માયા જેવું.
રાત આખી આ દીવા સંમુખ,
ઝૂરે છે ઓછાયા જેવું.
શ્વાસે શ્વાસે સ્મરણ ઘૂંટાતું,
લાગે વેણુ વાયા જેવું.
તું મલકે તો મન મ્હેકે છે,
શુદ્ધ અત્તરના ફાયા જેવું.
પાકું તો યે આપણું મળવું,
ડગમગ ડગમગ પાયા જેવું.
આપણું આ હોવું ય જાણે,
પાણીમાં પડછાયા જેવું.
ગઝલોનું ઘેલું યે ‘ઘાયલ',
ઝોડ ઝપટ ને છાયા જેવું.
૧૫-૫-૧૯૭૬(આઠોં જામ ખુમારી, પૃ. ૪૦૨)