કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/ધનેડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૫ ધનેડાં

ઝીલવા ચાલ્યા છે પડકાર ધનેડાં તો જુઓ,
લાકડાની લઈ તલવાર ધનેડાં તો જુઓ.
એની માયાનો નથી પાર ધનેડાં તો જુઓ,
લીખનો જાણે છે પરિવાર ધનેડાં તો જુઓ.
એમ બેઠાં છે ખળા માથે જમાવી કબજો,
જાણે પોતે જ છે હકદાર ધનેડાં તો જુઓ.
કાનબઢિયા કરી આસ્વાદ કર્યે જાયે છે,
ચસ્સ દેતાં નથી તલભાર ધનેડાં તો જુઓ.
એક કણસલાંને તલખતાં હતાં ગઈ કાલ સુધી,
આજ એ થઈ ગયાં કસદાર ધનેડાં તો જુઓ.
ઠોકવા દાંતે અહીંયાં નથી એક પાઈ અને,
કહે છે, છલકાવી દો ભંડાર ધનેડાં તો જુઓ.
એની નફટાઈની કોઈ જ નથી હદ ‘ઘાયલ',
રાતના ખખડાવે છે દ્વાર ધનેડાં તો જુઓ.

૧૨-૫-૧૯૭૩ (આઠોં જામ ખુમારી, પૃ. ૫૭૦)