કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/નશીલી નજર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. નશીલી નજર

અચાનક નજર ફેરવી કેમ લીધી?
હજી તો નથી વાત સુધ્ધાં મેં કીધી.

નજર શું હતી રંગ મસ્તી હતી એ,
ગઈ ઊતરી જે કલેજામાં સીધી.

નથી પૂછતું કો, નશીલી નજરને,
મને સૌ કહે છે સુરા કેમ પીધી?

નશીલી નજર પણ ગજબની છે મક્કમ,
નથી મૂકતી એ કદી વાત લીધી,

અમે યાદમાં જેની ઝૂર્યા જીવનભર,
કદી યાદ એણે અમારી ન કીધી.

ન જાણે સમજનું થવા બેઠું છે શું?
સમજમાં ઊતરી નથી વાત સીધી.

ચમનમાં હજી પણ કળીઓ છે એવી,
નથી જેમની કોઈએ ભાળ લીધી.

ગયા સૌ સરી મોત વેળાએ ‘ઘાયલ',
ન મુજ લાશને કોઈએ કાંધ દીધી.

૧૯-૫-૧૯૫૭(આઠોં જામ ખુમારી, પૃ. ૨૫૩)