કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મજાનો રંગ
Jump to navigation
Jump to search
૧૨. મજાનો રંગ
મળી જાએ મજાનો રંગ તો જાતો નથી કરતો,
કહ્યું ક્યારે કે ફૂલોથી મુલાકાતો નથી કરતો?
દુઆઓ પણ નથી કરતો : મુનાજાતો નથી કરતો,
સહી લઉં છું જુદાઈને, વલોપાતો નથી કરતો.
હતું જે કંઈ થવાનું થઈ ગયું અફસોસ શો એનો?
ગઈ ગુજરી તણી ગમગીન હું વાતો નથી કરતો.
હું દિલના ડામને બહુ કીમતી સોગાત સમજું છું,
નથી કરતો, અલગ દિલથી એ સોગાતો નથી કરતો.
બહુ થઈ જાય છે તો પાડી લઉં છું આંસુ બે છાનાં,
કદી જાહેરમાં લીલામ મો'લાતો નથી કરતો.
ખુદા આબાદ રાખે મયકદા મસ્તીમાં વીતે છે,
કે પ્યાસી છું કદી બરબાદ હું રાતો નથી કરતો.
પધારું છું પીવા ખાતર, પીવાથી કામ રાખું છું,
સુરાલયમાં કદી હું વ્યર્થ પંચાતો નથી કરતો.
ભલે આઘાત પર આઘાત કર પણ જો, ભલી દુનિયા!
ધરે છે ફૂલ ‘ઘાયલ', સામા આઘાતો નથી કરતો.
૨૪-૧-૧૯૫૮(આઠોં જામ ખુમારી, પૃ. ૨૫૭)