કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મને ગમે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૯. મને ગમે છે

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડ્્હાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક; આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

(આઠોં જામ ખુમારી સંચય, પૃ. ૩૧૩)