કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/સહારા દોડતા આવ્યા
સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા,
જિગરથી ઝંપલાવ્યું તો કિનારા દોડતા આવ્યા!
ક્ષિતિજ પર હું હતો એકે હજારા, દોડતા આવ્યા,
મને સત્કારવા સાંજલસિતારા દોડતા આવ્યા.
ગયા અકળાઈ ઓજલમાં, બિચારા દોડતા આવ્યા,
વિમુખ દિલ થઈ ગયું તો ખુદ ઇશારા દોડતા આવ્યા.
પડી હોતી નથી કૈં પ્રેમીઓને લોકલજ્જાની,
ખબર મારાં થયાં તો પ્રાણપ્યારા દોડતા આવ્યા.
વ્યવસ્થા એમના માટે ભલા શી હોય કરવાની?
હતાં મહેમાન એવાં કે ઉતારા દોડતા આવ્યા!
એ આવ્યાં તો સમય પણ સાનમાં કેવો ગયો સમજી!
હતા દિન જેટલા કિસ્મતમાં સારા દોડતા આવ્યા.
બળે ઉપવન અને હું ના બળું એવું બને ક્યાંથી?
ખબર પિંજર મહીં દેવા તિખારા દોડતા આવ્યા.
હતા તમારા દીવાના પણ હકીકતમાં સમરઘેલા,
પડી દાંડી નગારે તો દુલારા દોડતા આવ્યા.
અમે ન્હોતા કદી, ‘ઘાયલ', નમાજી તોય મસ્જિદના–
અમોને ભેટવા મોભી મિનારા દોડતા આવ્યા!
(આઠોં જામ ખુમારી, પૃ. ૩૧૯)