કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/શબ્દની આરપાર જીવ્યો છું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૦. શબ્દની આરપાર જીવ્યો છું

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.
ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.
મધ્યમાં જીવવું જ ન ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.
મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મારમાર જીવ્યો છું.
આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.
બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પૂર બહાર જીવ્યો છું.
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.
આમ ‘ઘાયલ' છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

૧૯-૧-૧૯૭૨(આઠોં જામ ખુમારી, પૃ. ૪૮૩)