કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૭. ચોખૂણિયું મારું ખેતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૭. ચોખૂણિયું મારું ખેતર


ચોખૂણિયું મારું ખેતર નાનું,
કાગળનું એક પાનું.
વાવાઝોડું કોઈ ક્યાંથી આવ્યું;
ક્ષણનું બીજ ત્યાં વાવ્યું.

કલ્પના કેરાં પીને રસાયણ
          બીજ ગળી ગયું છેક.
શબ્દના અંકુર ફૂટ્યા, સુપલ્લવ–
          પુષ્પનો લચ્યો વિશેષ.

લૂમ્યાં-ઝૂમ્યાં ફળ, રસ અલૌકિક:
          અમૃતધારાઓ ફૂટે.
વાવણી ક્ષણની, લણો અનંતતાઃ
          લૂટતાં લેશ ન ખૂટે.

રસનું અક્ષયપાત્ર સદાનું
ચોખૂણિયું મારું ખેતર નાનું.

(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)