કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૪. એક પંખીને કંઈક –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૪. એક પંખીને કંઈક –


એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, `હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચ ને!' ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક
કહેવા કરતી. `કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ' કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…

નવી દિલ્હી, ૨૭-૯-૧૯૭૯
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૫)