કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૯. પરસ્પર પરોક્ષેય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૯. પરસ્પર પરોક્ષેય

ઉશનસ્

૧. પુરુષ

મળ્યાં છેલ્લાં તેને પણ સમય ઝાઝો થઈ ગયો,
પછી તો ગંગામાં પણ જળ ગયું કેટલું વહી,
હવે પાછાં કાઢી ફુરસદતણો કાળ ઘડીક
તમે આવો આણી તરફ કંઈ બ્હાનેય નીકળી;
તમોને આવું કૈં નથી થતું પ્રિયે! કે બહુ સમો
ગયો છે વીતી ને નથી મળી શક્યાં, પત્ર ન લખ્યો;
અને એ તો મારા વગર રહી ના સ્હેજ શકતો,
વિતાવ્યો એણે આ સમય સઘળો શી રીત હશે?

પ્રિયે! કે આ જાદુગર સમયની વિસ્મૃતિ-પીંછી
તમોનેયે સ્પર્શી ગઈ જ? ભૂંસી નાખ્યો ભૂત બધો?
પડ્યાં વા એવા કો સુખમહીં? ભલે, ભૂલી જ જજો,
ભુલાઈ હું જાઉં અતલ—બસ—એવું સુખ હજો;
શુભેચ્છા; તો ના’વો — અહીં અટકું છું — એ જ ઉચિત
લઉં ખેંચી આમંત્રણની સહ આખોય અતીત.

૨-૧૦-૬૩

૨. સ્ત્રી

બપોરી વેળા છે, દૃગ મળી ગયાં છે દિવસના
જરી થાકે, ઘેને; મુજ ઘરની સામે જ લીમડા
નીચે શેરી વચ્ચે પ્રહર વિરમ્યો છે ક્ષણભર,
છૂટ્યાં છે ગાડાંઓ શ્રમિત તરુછાયાતલ અને
ધુરાથી છૂટેલા બળદ અરધાં નેન મીંચીને
પૂળાને વાગોળે કલવ સુખની કો સ્મતિ સહ;

સખી, ઑફિસે એ પણ અવ ગયા ખાઈ કરીને,
(પ્રભુ! મારું હેવાતન અર ર્હો, ર્હો કુશલ એ;)
ગયું અટોપાઈ ઘરનું સઘળું કાર્ય, ઘરનું
રસોડું ધોવાઈ લગભગ સુકાયું — હું નવરી
સખી, આ વેળાએ સહજ ક્ષણ જે ચિત્ત નિજની
ધુરા છોડી — થોડું હળવું થઈને જાય ઊતરી
અતીતે, આઘેના સ્થળમહીં, બીજા એક જણની
સ્મૃતિનો વાગોળે કલવ, પૂછુંઃ એ પાપ જ હશે?

૨-૧૦-૬૩

(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૭૯-૨૮૦)