કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૫. કૂકડાંનું ગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૫. કૂકડાનું ગીત

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !... ધ્રુવo
સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ-ગીત ગાનાર ! ...અમેo
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સુનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર !...અમેo
પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
જાગૃતિ-રસ પાનાર !...અમેo
જાગો, ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર !....અમેo
(ઉત્તરાર્ધ)
જાગે જગના પ્રાણ સહુ પણ,
વ્યર્થ બધો પોકાર !
આભ ચીરું હું તોય ન પહોંચે,
નાદ મૃત્યુને પાર !...અમેo

મૃત્યુ કેરી નીંદ ચિરંતન,
ક્યાં છે જગાડનાર?
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
શા ખપનો છડીદાર?
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !
(કોડિયાં, પૃ. ૮૯-૯૦)

૧૬-૨-’૫૫
(કોડિયાં, પૃ. ૨૭)