કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૯. ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર...
Jump to navigation
Jump to search
૯. ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર...
ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન ૫૨
કાલે જે ઘુવડે વાસો કર્યો હતો
તેની પાંખોનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે,
આજે અજાણતાં જ એ મને જડી ગયો છે
એનો રંગ ઘેરો છે
પણ અંદર થોડો લાલ સળગતો દેખાય છે.
એની વાસ
લીંબોઈનાં પાંદડાંને કેસૂડાંના પાણીમાં બોળ્યાં હોય
તેવી ખાટી, મ્હેકે છે.
એને માણસના જેવું મોં અને પશુના જેવી પીઠ છે.
પીઠ દેખાતી નથી
પણ એ પીળાશ પડતા જાંબુડી રંગની હશે.
પડછાયાનાં છિદ્રોમાં હું ઘુવડનાં પીંછાંનાં મૂળ શોધવા
આંગળી ફેરવું છું
ત્યાં તો એ હાલી ઊઠે છે,
અને મારી આંગળીને ડંખ મારી સાપણની જેમ ચત્તો થઈ જાય છે.
મારી આંખે અંધારાં.
એની પીઠનો રંગ મારા પોપચે અથડાઈ
વનસ્પતિના પેટમાં ઢોળાઈ જાય છે.
એપ્રિલ, ૧૯૬૧
(અથવા અને, પૃ. ૨૬)