કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૧. સ્મૃતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૧. સ્મૃતિ

ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં
મીઠાશ પી પીને મરી ગઈ એક કીડી.
એ જોઈ
મારા મગજની પછવાડે ભરાઈ બેઠેલી
અધકાચી સીમ મારી હથેળીમાં ઊતરી આવી :
આંગળે આંગળે ઊગ્યા આંબા,
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં.
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું.
કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહી.

માર્ચ, ૧૯૬૩
(અથવા અને, પૃ. ૫૬)