કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૭. આમ દરવાજો કરી આડો જરા બેઠો હતો ત્યાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૭. આમ દરવાજો કરી આડો જરા બેઠો હતો ત્યાં...

આમ દરવાજો કરી આડો જરા બેઠો હતો ત્યાં
શાહીના રેલા સમું કાળોતરું ક્યાંનું જનાવર
ફરસ પર ઊતરી પડ્યું.
કામવાળીએ દીવાલે જરીક સાવરણીને ઠપકારી
કે પડદેથી બધાં ફૂલો ખર્યાં
સખત આ સિમેન્ટનું ઘર ક્ષીણ થાતું
જર્જરિત નળિયાં અને છત તૂટવા આવી,
અને હું એકલો.
ચકલીનાં બચ્ચાં સમા કંપિત ખસકતાં જાય
ચાંદરણાં
અનેકાનેક.
દરવાજો હલે
ક્ષણવારમાં સંકોચ પામે બારીઓ.
હળવે રહી
આ ઘર ઉતારી
તે ઘરે પેલા ઘરે
હજી પામ્યો નથી તેવા ઘરે
નીકળી પડું.
ઉપર તપે ધણખૂંટ તડકો ધોમ,
ત૨વા૨ જેવી વાટ સરકે આરપાર,
સૂર્ય આખો હડપવા ઘૂરકી રહ્યાં આ ડુંગરા ને ઝાડ.
દૂર પેલે પાર આખું ગામ
એ જ પાછું એ જ પાછું ગામ – ક્યાં છૂટતું નથી!
– વારંવાર બદલેલાં બધાં ઘરબાર ને પગદંડીઓ
ધૂળતડકાલીમડાપીપળ અને આવળ બધાં
ટાવર અને કંઈ વંડીઓ
મસ્જિદ કતલખાનાં ને કબ્રસ્તાન.
ને કેટલી કંઈ કેડીઓ
અક્કેક ઉ૫૨ એક જણ,
ત્યાં મા અહીં બાપુ વળી ત્યાં ભાઈ
ને ત્યાં ભાઈબંધો.
બધ્ધાય બદલેલાં ઘરોના ખોંચ૨ા ખૂણા
– આંહી બેઠો’તો, અહીં ભીનાશ ગરમાવો હજી,
ત્યાં બાગનાં સહુ પાંદડાં સ્વપ્નો થકી ખરડાયલાં!
વંડી પછાડે ઊડતા ઘોડા અને પયગંબરોની હાર
પહોળી થાય
તેમ જ
થાય રસ્તો ધૂળિયો પહોળો –
અણી એની ક્ષિતિજ સોંસરવી ખૂંચે,
દ્વાર સંકોચાય
ને બારીઓ ઊઘડી પડે છે ખડખડાટ.
કાચના વાસણ સમું ઘર ખણખણે:
વાસણ ઉ૫૨ના વેલબુટે
પાતળી, ઝીણી ચિરાડો થરકતી આ રવડતા અજવાસમાં
અને ચોપાસ ચાંદરણાં
નર્યાં ભરપૂર ચાંદરણાં
બધાં બેસી ગયાં, પેસી ગયાં અક્કેક થઈને આંખમાં.

૩૦-૧૦-૭૭
(અથવા અને, પૃ. ૭૮-૭૯)