કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૪૬. મારા વિચારોને બંધ મુઠ્ઠીમાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૬. મારા વિચારોને બંધ મુઠ્ઠીમાં...

મારા વિચારોને બંધ મુઠ્ઠીમાં ઝાલેલા કાચની કણીઓની જેમ ભીંસું છું.
ચામડીની ભોગળો ભાંગે છે
અને એની કડેડાટી આંખોમાં ઘોડા દોડવી મૂકે છે.
બાળપણમાં થોરને બાથ ભરવી’તી તે અધૂરી રહી ગઈ,
જુવાની ફૂટી તો શેળાને મુઠ્ઠીમાં કચડવો'તો,
કાળા ખેતરની પોચી જમીનને સંભોગવી’તી,
એટલેસ્તો
હાથમાં આવ્યું તેને વીંખ્યું, પીંખ્યું, ચાટ્યું, પલાળ્યું,
ફાડ્યું, ફોડ્યું, ઢોળ્યું અને ધ૨બ્યું માટીમાં.
આ જોરે તો આજ લગી પહેરી રાખી જિજીવિષા,
માણસાઈને ઝેરના પડીકાની જેમ સંઘરી રાખી.
– જિવાતું જાય છે
ભાઈબંધો મોઢે ચૂનો ચોપડી દીવાલોની હાંસી કરે છે,
અને કવિઓ
મારા વ્હાલા દોસ્તો
કફનના ભાગીદાર
વસૂકી ગાયોની જેમ પોતાનાં આંચળ ધાવે છે –
તેમ જિવાતું જાય છે
મારો જીવ
જીભ વગરના બાળકની જેમ
ધૂળને ધાન ગણી ચાવે છે.
ધૂળ મોઢામાં
ધૂળ મારા પગમાં;
કો’ક છોડાવો મને –

મેં જેને કાગળની છબી ગણેલી એ આરસો
મારા લોહીમાં લબકારા લે છે.

ડિસેમ્બર, ૧૯૭૧
અથવા

(અથવા અને, પૃ. ૧૨૩-૧૨૪)