કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૪૭. ચહેરો
ઘણી વાર શબ્દો હાથમાં ઝાલેલ ફટાકડાની જેમ
ફૂટી પડે છે,
ફૂંક માર્યા ઓલવાતા નથી.
છાપાની કીડિયારી ધાર પર
યુદ્ધહરોળમાં ગોઠવાયેલા સૈનિકોની જેમ
શબ્દો ફૂટે છે.
નસીબને મુઠ્ઠીમાં લઈ નાસતા માણસનો ચહેરો
એમાં દેખાતો નથી.
મારી પાસે કચડાયેલી જીભથી ખરડાયેલો
એક શબ્દ છે.
એના આધારે હું કોઈ બચી ગયેલા ચહેરાની
શોધમાં નીકળું છું,
વિશ્વરૂપી છાપાના ખૂણે ખૂણે ભટકી વળું છું
પણ ચહેરો જડતો નથી.
તરફડતા શબ્દને પાછો ગળી જાઉં છું.
થાકેલા પંખી જેવો શબ્દ
પેટમાં પડેલા તાજા અન્નના પર્વત પર
શ્રમિત થઈને બેસે છે,
છાપું એના પર છત્ર થઈને છવાઈ જાય છે.
અન્નના નીચે ઊતરવાની ક્ષણે
છાપામાં ગોળીબારથી લથડતું શરીર ઢળે છે.
અન્ન બેસે
અવકાશમાં બેસે યાત્રી
અન્નનો અગ્નિ જઠરાગ્નિ ઠારે
મોઝામ્બિકમાં ભૂખ્યા બાળકને ફૂંકી દે સૈનિક,
અન્ન આંતરડામાં સંતાકૂકડી રમે
અણુબોમ્બના અખતરા, પેસિફિકમાં બુદ્બુદો,
અન્ન રક્તને દરવાજે
ઓલવાય મુક્તિના જંગ
શરૂ થાય અત્યાચાર,
ક્રોધિત પતિ, પત્નીની યોનિ ૫૨ ક૨ે
વીજળીના તારના આઘાત,
ક્યાંક કાઠિયાવાડમાં કેરોસીન છાંટી
નવવધૂ કરે આપઘાત,
હબસીની કાંધના જોડા પહેરી
ગોરો બેસે બગીમાં,
ક્યાંક સરમુખત્યારી, ઘણે ભ્રષ્ટાચાર
ક્યાંક ટેલિવિઝન ૫૨ યુદ્ધશાન્તિ ૫૨ સેમિનાર.
અન્ન હવે અંગાંગમાં
હવે અન્ન ને દેહનું અદ્વૈત.
ગાભરો શબ્દ ઘર ભણી મૂકે દોટ,
તંદ્રાની ભેખડ પર હાંફતો બેસી રહે...
બાળપણ નામનું બોન્સાઈ, વંટોળ જેવી સ્મૃતિઓ,
અંધકારના આકારનું ઘ૨.
વ્યાકુળ,
હું ખેંચી કાઢું છાપું પેટના મૂળમાંથી,
શબ્દના અ-ક્ષરપ્રાણને ઢંઢોળું:
ચાલ, ચેતવીએ રહીસહી જામગરી
ચાલ,
આંધળા અખબારને સળગાવી
પેટવીએ ઝાળ ઝાળ ચહેરો,
ચાલ.
૧૯-૫-૧૯૭૪
(અથવા અને, પૃ. ૧૩૫-૧૩૬)