કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૭. એક ઉનાળાની રાતે
આજની રાતે
ગરમાળાનાં પીળાં ફૂલ નીચેના ખાબોચિયામાં ખરે છે.
એવું લાગે છે કે ફૂલો આખી રાત ખરતાં રહેશે
અને સવાર સુધીમાં
ગરમાળો નિર્વસ્ત્ર થઈ ગયો હશે,
ખાબોચિયા પર ફૂલોનો થ૨ ચડ્યો હશે,
પાણી અને જમીન વચ્ચેની સંધિરેખા ભૂંસાઈ ગઈ હશે.
બાજુના શિરીષની ઝીણી કૂંપળોમાં આંગળાં ફેરવતો ચન્દ્ર ચડે છે.
શિરીષનાં પાંદડાંની ભીનાશ
અને આકાશના નીતર્યા પ્રકાશ વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી.
છાપરે બોગનવેલ પોતાના પડછાયા પર હીંચકે છે,
ઝરૂખાની બખોલમાં ઊંઘણશી હોલાના નાક સુધી
આંગણાની લીંબોઈની ગંધ ઊડે છે,
છતની અંદર વળી પરથી વનિયે૨ નીચે સરકે છે.
રસ્તાને બપોરના તડકાનો કાટ ચડ્યો હતો
તે અત્યારે ધોવાઈ ગયો છે.
મારા અધબંધ ઓરડાના બારણામાંથી ગરમીની સેરો ફૂટે છે
અને પગથિયે પહોંચતાં ઢેફાંની જેમ ફસડાઈ પડે છે.
હું દ્વિધામાં ઊભો રહું છું
ત્યાં તો ગરમાળો આખેઆખો મારા પર વરસી પડે છે.
મે, ૧૯૬૧
(અથવા અને, પૃ. ૨૪)