કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૮. નિદ્રાના ફળને છીલીને ટુકડા કર્યા હોય...
Jump to navigation
Jump to search
૮. નિદ્રાના ફળને છીલીને ટુકડા કર્યા હોય...
નિદ્રાના ફળને છીલીને ટુકડા કર્યા હોય
તો ઘણી શાશ્વત ભ્રમણાઓ ભાંગી જાય.
પ્રતીકો નાશ પામે.
પથ્થરોમાંથી ઈશ્વરો પૂંઠ પકડી નાસે.
મીણ જેવી મસ્જિદો અને એના મિનારા
લીલના ટેકરાની જેમ પાણી પાણી થઈ જાય.
પર્વતો સૂઈ જાય
અને આકાશની ચાળણીમાંથી હળવે હળવે દ્રાક્ષનો રસ ઝરે.
આપણે બધા
અત્યારે સોગઠાબાજી પર ગોઠવાયા છીએ તેને બદલે
આડાઅવળા વિખેરાઈ જઈએ.
હું-તું-તે-આપણે-તમે-તેઓ-સહુ
બધું ડબ્બામાં નાખીને ખખડાવેલ પાંચીકાની જેમ
જ્યાં ત્યાં વેરાયેલું પડી રહે.
કદાચ કયામતથી મોટું રહસ્ય એમાંથી જન્મે,
કદાચ મૃત્યુથી મોટું મૌન એમાંથી ઊગે
અને આપણે બધા એને આરોગી જીવીએ.
૧૯૬૨
(અથવા અને, પૃ. ૨૫)