કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો

ચિનુ મોદી

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર : હું છું વ્હેતો પવન,
બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું : હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું : છે આ ‘ઇર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
(ઇનાયત, પૃ. ૧૧)