કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫.ઓથે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫.ઓથે

ચિનુ મોદી

તરણા ઓથે ડુંગર છે,
મારી ઓથે ભીતર છે.

ભ્રમણાની દીવાલો છે,
ને દીવાલોનું ઘર છે.

હું છું ને પડછાયો છે,
એ બેમાં પણ અંતર છે.

છલના તો આંખોની છે,
પણ થોડો થોડો ડર છે.

બે થડકારા વચ્ચે છે,
એ પોલાદી પથ્થર છે.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૨૩)