કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪.મન વગર
Jump to navigation
Jump to search
૪.મન વગર
ચિનુ મોદી
તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.
શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડખડ હસું છું ભય વગર.
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે,
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
દૂર તારાથી થતો હું જાઉં છું,
એમ લાગે છે હવે છું ઘર વગર.
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું,
હું તને મળતો રહ્યો કારણ વગર.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)