કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૪. કવિતા ન કરવા વિશે કવિતા
Jump to navigation
Jump to search
૩૪. કવિતા ન કરવા વિશે કવિતા
જયન્ત પાઠક
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરોવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય —
પણ… પછી
જલપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુનાં ફૂલ ના ફૂટે,
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊંચે ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
— એટલે કે કશું થાય જ નહીં!
૨૭-૯-’૭૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૨૮-૩૨૯)