કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૫. પાછા વળવું
Jump to navigation
Jump to search
૩૫. પાછા વળવું
જયન્ત પાઠક
બસ આવી ગૈ હદ, લો સરહદ, અહીંથી પાછા વળવું
વળવું પાછા, પણ પાડેલાં પગલાંને ના મળવું;
આજ લગી ને અભી અભી જે બોલ્યા તે સૌ ફોક
ભલે યાદ કે સમણે આવે એમાંનો લબ કોક;
આમતેમથી વીણી સંઘરી લીધો શિર જે ભારો
ભાર ઉશેટું લો અબઘડીએ, સાપ હોય કે ચારો;
હવે બધા મિત્રો-શત્રુને મળવું જઈને ઘેર
હૈયું સોજ્જું સમથલ એમાં નહીં વમળ, ના લ્હેર;
અડે વાયરા અંકાશી ને મઘમઘ મનનો બાગ
ચંદનની સોડમમાં પોઢ્યા ઝેર વિનાના નાગ;
બસ અહીંથી પાછા વળવું છે, અહીંથી પાછા વળવું
પાડેલાં પગલાંને, પગને, રે ખુદે ના મળવું!
૧૮-૧-’૮૦
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૩૪)