કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨. સવાર-૨
સવાર-૨
નલિન રાવળ
ઊંઘના સડેલ ગૂણિયા પેરે પડેલ
શ્હેરનો સળંગ વાંકચૂકથી વળેલ
માર્ગ,
સૂર્યનાં પીળાં તીખાં તરત તૂટી જતાં
અનેક કિરણો
ઉશેટી લાગલો ઊઠ્યો
તરત હડી દીધી તરત અવાજ... ‘વાજ...’વાજમાં ડૂબી ગયો.
વહી હવા,
બગાસું બડબડ્યું,
વહ્યો અવાવરું વિચાર.
ક્યાંક
ગાભરો ઊઠેલ હાથ ખોળતો
સવાર.
સવાર?
ક્યાં સવાર છે અહીં? અનેકની
ફરે છ આંખમાં અનેક સ્વપ્ન ધૂંધળાં હજી.
(અવકાશપંખી, પૃ. ૩)