કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩. બપોર
Jump to navigation
Jump to search
૩. બપોર
નલિન રાવળ
ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.
મસાણમાં ભડકે આળોટે
રાખ ધૂળના ભરે ફાકડા
વાંભ ઊછળે શીશ-ઝંટિયા.
ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.
ઊભેલ ઠૂંઠાં
ભૂત થયેલાં
વૃક્ષોએ ભેંકાર કારમી પાડી ચીસ
પ્હાડ તણાં હૈયાં હાલ્યાં ને પડઘાઓની ભીંસાભીંસ.
ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.
આભ ઊગેલાં વાદળ બાળ્યાં,
નદી, સરોવર, ખેતરનાં હૈયાં સળગાવ્યાં,
બાળ્યા પગ-રસ્તા,
બાળ્યા કોકિલના ટહુકા,
કવિઆંખની લોહ-કીકીઓ એક ન બાળી.
ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.
(અવકાશપંખી, પૃ. ૫)