કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫. એક પડછાયો

નલિન રાવળ

ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે.
ક્યારનો
કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો
ઊંડો ધબકાર ક્‌હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી
મથે છે.
ક્યારનો
મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે
... ... ...
ધૂળ!
હું શું કહું તમને મને સહુ લોકને

શું કહે છે
કૈં જ સમજાતું નથી!
ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે
ક્યારનો
એક પડછાયો.
(અવકાશપંખી, પૃ. ૩૨)