કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા
Jump to navigation
Jump to search
ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા
નલિન રાવળ
નાઈલ નદીનાં જળસ્રોતને
કાંઠે
પર્ણછાયા વૃક્ષની ચોફેર દોડતા સસલા
અને
આભમાં ઊડતા સારસ પંખીને
નીરખતો
આવી ઊભો
ગાંધીજીની કાંસ્ય પ્રતિમાથી સોહતા
સંગેમરમરના સ્મારકની સંમુખ
પરમ શાન્તિમાં લીન ગાંધીજીની
કરુણામય દૃષ્ટિ
અખિલ વિશ્વને અવલોકતી
નાઈલ નદીના જળતરંગ પર સ્હેલતી
ઍલેક્ઝાન્ડ્રિયાની ભૂમિમાં પોઢેલ
ક્લિયોપેટ્રાના રૂહને તર્પતી
સમગ્ર માનવલોકને સ્નેહ-પ્લાવિત કરતી
અનંત સૃષ્ટિમાં વિહરી રહી છે.
૮-૫-૨૦૦૯
(અવકાશપંખી, પૃ. ૪૧૨)
- ૧૯૪૮માં ગાંધીજીના પાર્થિવ દેહની ભસ્મનું વિસર્જન નાઈલ નદીમાં મૂળમાં કરવામાં આવ્યું હતું