કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૪. એટલો ર્હેજે દૂર
૧૪. એટલો ર્હેજે દૂર
નિરંજન ભગત
સાંભળું તારો સૂર,
સાંવરિયા, એટલો ર્હેજે દૂર!
ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
ભલે તું રાસ ના ખેલે.
વનને વિજન તું મારે અંબોડલે
ભલે કદંબ ના મેલે;
તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર!
સૂરની સંગાથ મારાં સમણાંનો સાર
ને સઘળો સંસાર મેં તો બાંધ્યો.
એમાં તો મુજને આ જગથીયે પાર
રે એવો કો સૂરલોક લાધ્યો;
હવે જાશે મથુરાપુર?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર?
૧૯૪૮