કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૩. રસજ્યોત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૩. રસજ્યોત

ન્હાનાલાલ


એક જ્વાલા જલે તુજ નેનનમાં,
          રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ ઝલે નભમંડળમાં,
          રસજ્યોત નિહાળી નમું, હું નમું.

મધરાતના પહોર અઘોર હતા,
          અન્ધકારના દોર જ ઓર હતા;
તુજ નેનમાં મોરચકોર હતા,
          રસજ્યોત નિહાળી નમું, હું નમું.

અહા ! વિશ્વનાં દ્વાર ખૂલ્યાં-ઊછળ્યાં,
          અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા ! લોચન લોચન માંહી ઢળ્યાં,
          રસજ્યોતિ નિહાળી નમું, હું નમું.

દૃગ્બાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
          કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મનને ઓળખ્યો.
          રસજ્યોત નિહાળી નમું, હું નમું.

(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)