કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૯. શતદલ પદ્મમાં પોઢેલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. શતદલ પદ્મમાં પોઢેલો

ન્હાનાલાલ


         શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ,
          શોધી રસકુંજ જ્ય્હાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ :
          દીઠો ન દુનિયાફોરેલો;
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસંત શો વસેલો,
          પાંખડી પાંખડી પૂરેલો,
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો,
          પંખીડે પંખીડે પઢેલો :

હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

અડઘેરી પાંદડીઓ વીણતાંમાં વેરી, ને
          આસવ ઢોળિયો અમોલો;
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
          જીવનપરાગ જગત્ ઘેલો,
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

          શતદલ પદ્મમાં પોઢેલો
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)