કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૪. મહીંડાં
Jump to navigation
Jump to search
૪૪. મહીંડાં
(ઢાળ : પાલવડો મ્હારો મ્હેલો, મોહનજી !
મારગડે મ્હને જાવા દિયો)
હલકે હાથે તે નાથ ! મહીડાં વ્હલોવજો.
મહીડાંની રીત ન્હોય આવી રે લોલ.
ગોળી નન્દાશે, નાથ ! ચોળી છંટાશે, નાથ !
મોતીડાંની માળા તૂટશે રે લોલ;
ગોળી નન્દાશે ને ગોરસ વહી જશે,
ગોરીનાં ચીર પણ ભીંજશે રે લોલ :
હલકે હાથે તે નાથ !
ન્હાની શી ગોરસીમાં જમનાજી ઊછળે
એવી ન નાથ ! દોરી રાખો રે લોલ;
ન્હાની શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
હળવે ઉઘાડી નાથ ! ચાખો રે લોલ;
હલકે હાથે તે નાથ !
(ન્હાના ન્હાના રાસ ભાગ-૨ પૃ. ૪૪)