કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩. તને ખબર છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. તને ખબર છે?

તને ખબર છે?
હવે હું તારું નામ બોલી શકતી નથી
એટલે
આજે તાજા જ પડેલા સ્નોમાં
હું તારું નામ લખી આવી
મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
પણ સાચે જ મઝા આવી ગઈ…
ને પછી
થોડી વાર રહીને વરસાદ પડ્યો…
હું તારું નામ વહી જતું જોઈ રહી.
વાસંતી વરસાદની સાથે
અચાનક ઊગી નીકળેલા ડૅફોડિલની જેમ
મેં તારું નામ
વાતવાતમાં રોપી દીધું
પણ કોઈએ કશું સાંભળ્યું નહીં
કેમ જાણે
તારા નામના રણકારનો પડઘો
ફક્ત હું જ ઝીલી શકતી હોઉં!
અને બપોર પછી
નીકળી આવેલા
મેઘધનુને જોઈ
દિલમાં એક ધડકન ઊઠી ને શમી ગઈ…
ફક્ત મારાં સ્તનો જ એનાં સાક્ષી હતાં.
સંધ્યાકાળે
નમતો સૂરજ
મારા ગાલે ઢળ્યો
અને તારા હોઠની છાપ જીવતી થઈ ગઈ.
પણ તું માનીશ?
અહીં તો બધાંને
મારા ન બોલાયેલા
શબ્દોમાં જ વિશ્વાસ છે.
તું શું માને છે…?
હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું…?

(વિદેશિની, પૃ. ૨૧-૨૨)