કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/આનંદ!
૩૦. આનંદ!
આ તરુવરકેરાં પર્ણે ફરકે, હો, આનંદ!
વિણકારણ શિશુનાં મુખડે મરકે, હો, આનંદ!
આ ત્રણે જીવનને ભરી ભરી છલકે, હો, આનંદ!
આ અણુ અણુમાં કૈં મીઠું મલકે, હો, આનંદ!
આ નિર્મલ સરવરજલમાં લ્હેકે, હો, આનંદ!
આ પદ્મતણાં દલદલમાં મ્હેકે, હો, આનંદ!
આ ઋતુઋતુકેરા રંગે રમતો, હો, આનંદ!
આ અનિલતણી લહરીએ ભમતો, હો, આનંદ!
આ વસન્તની કૂંપળની લજ્જા, હો, આનંદ!
આ શિશિરખર્યાં પર્ણોની સજ્જા, હો, આનંદ!
આ શારદનભનાં નીલમ પાત્રે, હો, આનંદ!
આ ઉજ્જવલ જ્યોત્સ્નાકેરાં ગાત્રે, હો, આનંદ!
આ સકલ ધરાજીવનમાં ખીલે, હો, આનંદ!
ઓ તરસ્યા હૈયા, પી લે, પી લે, હો, આનંદ!
(‘નાન્દી’, પૃ. ૮૧)