કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/સદૈવ તવ સંમુખે
Jump to navigation
Jump to search
૩૧. સદૈવ તવ સંમુખે
સદૈવ તવ સંમુખે પરમ હે, રહું હું ખડો;
નહીં નયનને કશું અધિક પ્રેક્ષ્ય છે પેખવું,
નહીં હૃદયમાં કશું અધિક રમ્ય આલેખવું,
સદૈવ તવ સંમુખે : ન વ્યવધાન એકે નડો.
સુધન્ય મુજ નેત્ર નેત્ર આ નિહાળી રહ્યાં,
કૃતાર્થ મુજ પાય પાય તુજ પાસ આવી ઠર્યાં,
સુભાગ્ય અહ, શું લખ્યું મુજ વિધાત્રીએ ભાલમાં,
કશો મુજ થવો જ જન્મ તુજ જિન્દગીકાલમાં!
કરી સુરસમર્થતા થકી મહાન સીડી ખડી,
પલેપલની હીરક દ્યુતિ થકી અમૂલી ખચી.
ધરાનું શુભ લગ્ન નીલ નભ સાથ દીધું રચી :
જડી સુદૃઢ ભૂમિ સંગ, ગગનાંગણોને અડી.
સદૈવ તવ સંમુખે પરમ હે પિતા, હું રહું :
નિહાળું મુજને તુંમાં, વળી તને ય હુંમાં લહું.
(‘નાન્દી’, પૃ. ૯૦)