કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/બુદ્ધનાં નયન
૧૪. બુદ્ધનાં નયન
પ્રભો, પ્હેલી વેળા નજર પડતાં માનવશબે,
તમે દેખી લીધું મરણ સઘળાનું ધ્રુવતમ;
લહી વૃદ્ધાવસ્થા, તુરત લહ્યું વૃદ્ધત્વ સહુનું :
કઠી રુગ્ણાવસ્થા અસહ, નજરે રુગ્ણ પડતાં.
યુવાનીમાં, દેવોપમ તનુતણો વૈભવ છતાં,
કમી ના કૈં કોઈ સુખતણી છતાં, નશ્વર લહી
તમે છોડી દીધું જગ, જ્યમ તજે મૃત્યુ મનુજો;
અને ચાલ્યા શોધે અમૃતતણી કૈં શાશ્વત મહા.
અમે આંહીં નિત્યે દરશન કરીએ મરણનું.
અને વૃદ્ધાવસ્થા કદરૂપીતણી કૈં જ કમી ના.
નીરોગી તો ભાગ્યે નજર ચડતો કોક સુખિયો.
બધાં દુઃખોકેરો અઢળક અમારે અનુભવ.
છતાં રે, બાઝી ર્ હે અમ મન સદાયે જગતને!
ઉગાડો નેત્રોમાં અમ, પ્રભુ, તમારાં નયનને!