કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૬. એક્કેય એવું ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૬. એક્કેય એવું ફૂલ

પ્રિયકાન્ત મણિયાર

એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું, — ક્યારે હવે હું જોઉં….
એમાંય તે આજે વસન્ત
મબલક ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઈને નાંગરી
આછા શિશિરના તટ ઉપર
ત્યાં
હું જ ડૂબી જાઉં છું
હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખમાં એની અસર એવી થતી
જેની સુગંધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં
અરે બહુ પર્ણમાં

સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષાણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એકસરખું ચોતરફ ફેલાયલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું.
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો
ફૂલથી કે ભૂલથી?
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા —
અહીંતહીં બધે વેરઈ ગયા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦૦)