કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૭. અષાઢથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૭. અષાઢથી

પ્રિયકાન્ત મણિયાર

અષાઢથી પલળેલું આકાશનું પારેવડું શાંત,
અવર વિહંગ કોઈ નહીં,
ચારે કોર ચારે કોર
લીલાંછમ ખેતરોમાં તરી રહ્યા કાચ.
એમાં ઢળ્યા પવનના પડછાયા શાંત, તહીં
પાણીમાં આ કાચમાંથી ફૂટી ઊઠ્યાં તૃણ.
સ્પંદિત – કંપિત
લીલુંછમ વન,
અસીમ – અકેલ
કોઈ નથી,
ઢળી ગઈ સાંજ.
ગાયનો હા એક વ્હેળો હમણાં તો વહી ગયો ગામ ભણી,
તારના આ થાંભલાની
કેટલીયે શ્વેત શ્વેત આંખ
જોઈ રહે
...શિખા શિખા સળગેલો સૂર્ય
ચણોઠી શો શાંત ક્યાંય
દડી ગયો.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦૬)