કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૩. અદીઠાં એંધાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩. અદીઠાં એંધાણ

બાલમુકુન્દ દવે

ફૂલ રે નથી ને ફોરમ ફોરતી,
મઘમઘતા અત્તરિયા પમરાટ
હે જી અત્તરિયા પમરાટઃ
હવાને હેલારે ચારે કોરથી
મહેકે મીઠા અણદીઠા બાગઃ
શીળા ને સલૂણા વાયે વાયરા.

તરસ્યાં ધરતીનાં ઢેફાં તોષતા
અમરતનાં ફોરાંશા નવમેહ
હે જી ફોરાંશા નવમેહઃ
દરસે નહીં ને વરસે વાદળાં,
પ્રાણની પરનાળે છલકે નેહ
છલકે નેહઃ
શીળા ને સલૂણા વાયે વાયરા.

અદીઠી ઊડે રે પીળી પામરી,
સુખદુઃખની સહિયારી ભાતઃ
હે જી સહિયારી ભાતઃ
તેજ ને તિમિરે રૂડી ઓપતી,
પંથીને પ્રેરંતી દિન ને રાત
દિન ને રાતઃ
શીળા ને સલૂણા વાયે વાયરા.

ઘૂંટાતી શરણાઈ ઊંડી વાગતી,
અલોપીનું અનાલાપી ગાનઃ
હે જી અનાલાપી ગાનઃ
કરોડો કોલાહલ ભેદી જાગતી
સુરાવટને ઝીલે સરવા કાન
હે જી ઝીલે સરવા કાનઃ
શીળા ને સલૂણા વાયે વાયરા.

૧૯-૨-’૪૯
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫૧-૫૨)