કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૪. કેણે તંબૂ તાણિયા?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૪. કેણે તંબૂ તાણિયા?


કેણે તંબૂ તાણિયા આ મહોબતને મેદાન?
લાહ્ય બળે ન્યાં લ્હેરતાં, કાંઈ લીલમલીલાં પાન,
નેજા ને નિશાન, આભ લગી આંબી ગિયાં.

મહોબતમાં માન્યું હતું, કે ઢળશે અમણું ઢીમ,
પાળ્યાં મોત પથારીએ, અમે નેનઉજાગર નીમ,
હૈયાનો હકીમ, ન્યાં ઓખધ લૈ આવી પુગ્યો.

સામેથી આવી મળે, કોક દરદ દીવાણા દેખ,
સાંયા, નિરદય નેહના, આ કેવા અવળા લેખ?
મહોબત કેરી મેખ, મારીને મલમું કરે.

સાંયા, આ સંસારમાં, જેની દાજેલ દેયું હોય,
વ્હાલા પણ વ્હેતો કરે, જેને આવ્યે આડું જોય,
ટીકી ન લાગે કોય, એની નાડ લિયે તું હાથમાં,

આખરને ઓશીકડે, મુંને મળિયા અમિયલ સેણ,
નખમાં રોગ નથી રિયો, સઈ, સાંભળ મારું વૅણ,
મોત વહ્યું મધવ્હેણ, હવે જ્યાં જોઉં જીવણ હસે.

૧૩-૮-’૬૪ (સંગતિ, પૃ. ૯)