કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૫. એમ પણ નથી
Jump to navigation
Jump to search
૪૫. એમ પણ નથી
કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી.
મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી.
આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી.
તારાથી હોઠ બીડી મેં નજરોને હટાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.
તારી નજરની બ્હાર ગયો તો નથી, સનમ!
ચીલો મેં ચાતર્યો જ નથી, એમ પણ નથી.
દોસ્તો, હવે તો મારી હયાતીને દુવા દો!
કહેશો મા કે મર્યો જ નથી, એમ પણ નથી.
૧-૪-’૭૫ (હવાબારી, પૃ. ૬૫)