કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૬. અજ્ઞાતવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. અજ્ઞાતવાસ


આ વિરાટ વિરાટ નગરી મહાવિસ્તારમાં
ફરતો રહું, ફેંકાઈ ચાલું, કોઈ અણપ્રીછયા
અજ્ઞાતવાસી જેમ, મારાં વિવિધ રૂપો
એકમેક મળી જતાં
ને ક્યાંક તો
ટોળાં મહીં ટોળું બનીને
લેશ પણ પરખાય ના, ચહેરા વિનાના
હોય જાણે એમ સાવ ભળી જતાં.

પણ જ્યાં જરા
દ્યુતના કહીં પાસા ખખડતા,
ક્યાંક ભોજન-ગંધ આવે ઉગ્ર બનતી,
ક્યાંક ઘૂંઘર નૃત્યના તાલે બજે,
કે ઊછળે જ્યાં કેશવાળી અશ્વની,
કે ધેનુ પુચ્છ ઉછાળતી દોડે વછોડી બંધનો,
મારાં સકળ અંગાંગ નિજની ગુપ્ત
એકલતા મહીં માથું અફાળે, લુપ્ત
સ્વપ્ન તણા સુવર્ણ સિંહાસને.

અજ્ઞાતવાસ કઠોર ભારે, પણ
એ ક્ષણે તો નિરવધિ
અતિશય કળાય અસહ્ય,
વિશ્વની સામ્રાજ્ઞીને મારી નજર સામે
જોઉં જતી દાસી બની
જોઉં જતી આ નત શિરે
અસહાય, એકલ,
મદછક્યા કીચક તણી હીણી નજરથી છૂટવા
પંખિણીની જેમ થરથર કંપતી.

આજના મારા અકળ અજ્ઞાતના પ્રેરક,
હે મહા અજ્ઞેય!
તારા નિયમસર ને છતાં સ્વચ્છંદ પાસાને, કહે
હું શી રીતે પરખી શકું?
મારા કકળતા કાળજે ક્યાં, કહે, ક્યાં
શી રીતે ઉત્તર મળે?
ચિત્તને શાતા વળે?

પડઘા પછી પડઘા જગાવી
કોણ ‘ઉત્તર’ શબ્દને જ
અસીમ કેરી ખીણમાં
પાછો ફગાવે?
પ્રશ્નમાં જ ફરી ફરી પાછો વળી
અફળાય ઉત્તર?

શાંત નીરવ અંતરે
ઉત્તરોત્તર, ઉત્તરા-ઉત્તર
તણા આવર્તને
ભાસતું,
કોઈક જાણે આવતું
ને આજ આ આવી રહ્યું સામે.

જોઉં તો
કાળના રથમાં લગામ ધરે ફરી
ઉત્તર, અને રણક્ષેત્રમાં રથ રણઝણે.

પેલાં શમી વૃક્ષે છુપાયાં
શસ્ત્ર કેવાં ઝળહળે!

ઑક્ટોબર-’૮૯ (અમેરિકાનો ચિરંતન ચહેરો, ૧૯૯૯, પૃ. ૩૧-૩૨)