કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૦. કમળમાંથી કમળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૦. કમળમાંથી કમળ


કમળમાંથી કમળ ગયું
અને
શબ્દમાંથી શબ્દ.
એક વાર નહીં
વારંવાર આવું બનતું રહે છે
એની અમને ખબર છે
અને એટલે જ અમે ચાલીએ છીએ
પગ પછાડતાં
ખુલ્લી સડક પર
એક નવી સડક ચડાવતાં
ઉત્તરમાં દખ્ખણને આઘુંપાછું અડાડતાં
સૂરજમાં આકાશને ઊંચુંનીચું વળાવતાં
અમદાવાદની ચકલીની ચીંચીંમાં
ભરૂચની બકરીની બેં બેં જગાડતાં
અમારી આંખમાં અમારા હાથનાં કર્યાં વાદળના
ઢગલે ઢગલા ઉડાડતાં
અમે અમને એવા લાગ્યા
એવા લાગ્યા
કે
અમે અમારામાંથી નીકળીને ગયા આગળ
આગળથીયે આગળ
અને પાછળથીયે પાછળ
એવા અને એટલા આગળપાછળ
કે
કમળમાંથી કમળ ગયું
અને
શબ્દમાંથી શબ્દ.
(એક વધારાની ક્ષણ, પૃ. ૬૨)