કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૬. તડકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. તડકો


તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે,
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે.
તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે,
મારી સમીપ એમ મને આવવા મળે.
ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાં,
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે.
ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા,
આખું મળે તો થાય, તને આપવા મળે.
ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે,
એક દેખવા મળે ને બીજું દાઝવા મળે.
(મનહર અને મોદી, પૃ. ૨૪)