કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૭. તરડાયેલા પડછાયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. તરડાયેલા પડછાયા


જાઓ,
તરડાયેલા પડછાયા પહોંચાડી આવો
સાગરમાં છે વહાણ ઊભું.
પથ્થરથી માથું ફોડે છે રાત.
ચૌટે ચૌટે ચર્ચા કરવા ભરબપ્પોરે આજે
ઊગ્યો ચાંદ.
કાલ રાતથી કૂકડા ઉપર બેઠો બેઠો આડોઅવળો
સૂર્ય ઊંઘે છે.
કૂકડો વેરે તેજ.
કૂકડો સૂરજ.
મિલની ચિમની માછલીએ માછલીએ ઊઘડે, બીડાય.
હાથીના દાંતો ચાવીને શહેર એની ઝીણી ઝીણી
આંખો જેવું થાય.
અડધી બોખી ડોશી જેવી
ક્ષિતિજ તણો એકાદો ટુકડો પણ જો માથે પડે —
અરે રે!
ભાગો, ભાગો
જાઓ.
(ૐ તત્ સત્, ૧૯૬૭, પૃ. ૮)