કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/કા’નાનું કામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૧. કા’નાનું કામ

મારું જીવતર ધન્ય ધન્ય કીધું
કા’નાએ મને કામ ચીંધ્યું,
કીધું કા’નાએ મને, ગાવડીને પૂર
રૂડી ગોકુળિયા ગામની ગમાણે,
પાણી ને પૂળો એને નીરજે ને દો’જે
પણ કરતી ન કાંઈ તું પરાણે :
કામ કેટલું આ સાદું ને સીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.

ન્હોતી જે આવતી ને ઢીંકે ચડાવતી
તે ગાવડીને ડચકારી કા’ને;
સાલસ થઈને એ તો હાલી મુજ મોર
એની મેળે ગમાણની સાને :
એણે આસન ખીલાનું પાસ લીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.

દોરી ઉપાડી ત્યારે એણે નમાવી ડોક
પહેરી લીધી જાણે માળા;
નીર્યું નીરણ એણે ખાધું ને પાયું પાણી —
પીધું, કર્યા ન કોઈ ચાળા :
એણે સામેથી દૂધ દોહી દીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.

આવું આ કામ તોય કા’નાએ કીધું
એથી હરખે બની ગઈ હું ઘેલી;
કા’નાનાં વેણ થકી મારે શિર વરસી ગઈ
અઢળક આનંદની હેલી :
મેં તો હોંશે એ અમરત પીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.

(બૃહદ ગુજરાતી કાવ્યપરિચય, ભાગ ૧, ૧૯૭૩,
સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, પૃ. ૧૨૩)