કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૬. પાસપાસે તોય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. પાસપાસે તોય

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ...

          રાત-દીનો સથવાર તે સામે મળવાનું તો
                   કોઈ દાડો સુખ મળતું નથી,
          આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
                             ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!

          ઝાડથી ખરે પાંદડું એમાંય
                    કેટલાં કિરણ આથમ્યાંનું સંભારણું હશે?
          આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે
                   કે યાદ જેવું કોઈ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે સમણાનો સહવાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૭૭)